જીરુમાં વિક્મના વિદાય લેતા વર્ષના આખરમાં મંદી રહ્યા બાદ નવી વર્ષારંભે ફરી અફડાતફડી જોવાઈ હતી. દિવાળીની રજાઓમાં મંડીઓ દસેક દિવસ બંધ રહ્યા બાદ ખૂલતા આવકો તદ્દન ઘટી ગઈ હતી.
સામે લેવાલી નીકળતાં અને નિકાસમાગ આવતાં ભાવ ફરી ઉછળ્યા હતા. માલબોજો ઓછો છે વળી વાવેતરમાં ધાર્યાપ્રમાણે હંજી વધારો થયો નથી. ઠંડી પણ જોઈએ એવી નથી આ બધાં કારણોસર વાયદો પણ 392થી વધીને 462 ઉપર પહોંચ્યો હતો.
ઊંઝામાં આવક 2000 થી 3000 ગૂણીની અને વેપાર 5000 થી 6000 ગૂણીના રહ્યા હતા. મથકે ભાવ પ્રતિ 20 કિલો એવરેજના રૂ.10,000 થી 11,000, મિડિયમના રૂ.11,100 થી 12,000 અને એક નંબરના રૂ.12,100 થી 12,500 ના મથાળે હતા.
મુંબઈમાં એવરેજ જીરુંના વધીને રૂ. 10,500 થી 11,500, મિડિયમના રૂ।. 11,600 થી 12,200 અને એક નંબરના રૂ।.12,300 થી 13,000 ના મથાળે હતા. હવે જીરુંની બજાર કુલ વાવેતર અને પછી કેવો પાક આવે છે તેના પર નિર્ભર છે.
આ વર્ષે જીરુંનું વાવેતર ગત સિઝનની સરખામણીમાં બમણું થઈ શકે છે. ગુજરાત કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર, 6 નવેમ્બર સુધી રાજ્યમાં 1542 હેક્ટરમાં જીરુનું વાવેતર થયું છે, જે ગયા વર્ષે આ જ સમયે 3866 હેક્ટર હતું.
જ્યારે રાજસ્થાનમાં આ વિસ્તાર 5,13,100 હેક્ટરમાં હતો. બંને રાજ્યોમાં કુલ વાવણી 7,73,450 હેક્ટર હતી. જીરાના વેપારી સાજન અગ્રવાલનું કહેવું છે કે હવે દેશમાં જીરાનો મહત્તમ સ્ટોક 8 લાખ બોરી બચ્યો છે.
રાજસ્થાન અને ગુજરાતમાં વાવેતર શરૂ થતાં જ જીરાના ભાવ રૂ. 65,000 ની ઊંચી સપાટીથી ઘટીને રૂ.42,000 પ્રતિ ક્વિન્ટલની આસપાસ આવી ગયા છે. નબળી આવક, ઓછી માંગ અને હવામાન સંબંધિત પડકારોએ બજારને અસર કરી છે.
ચીન દ્રારા ખરીદી ફરી શરૂ કરવાની અને ઉત્પાદન ઘટવાની શક્યતા અનિશ્ચિતતા ઊભી કરે છે. ફેબ્રુઆરીમાં પાકની નવી સિઝન શરૂ થાય ત્યાં સુધી ભાવ સ્થિર રહેવાની ધારણા છે અને ભારતીય જીરાની નિકાસ ફરી શરૂ થઈ શકે છે.