મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી, ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાએ ખેડૂતો સાથે ચર્ચા-વિચારણા કરીને તેમજ ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને એક મહત્વપૂર્ણ અને ઉદાર નિર્ણય લીધો છે. ખેતરોમાંથી પસાર થતી વીજ ટાવર અને લાઇન વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે.
વીજ ટાવર અને લાઇન વળતરમાં વધારો
ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઇન નાખવા બદલ ખેડૂતોને જંત્રીના બમણા દર (200%) મુજબ વળતર ચૂકવવામાં આવતું હતું. વિવિધ ખેડૂત સંગઠનો તરફથી મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મોટો સુધારો કર્યો છે. હવે જંત્રીના આધારે નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન બજાર ભાવ (Market Rate)ના બમણા દરે વીજ ટાવર અને લાઇન વળતર ચૂકવવાનો ખેડૂતહિતનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વીજ ટાવર અને લાઇન વળતર ઉદાહરણ 1
| વિગતો | ગુજરાત સરકારના ઠરાવ તા. 01-03-2024 મુજબ | પ્રસ્તાવિત (1 વિઘા = 30 લાખ પ્રમાણે) |
|---|---|---|
| દર | DLVC દર મુજબ (ટાવર માટે – ₹979 પ્રતિ ચો.મી.) (RoW કોરિડોર માટે – ₹761 પ્રતિ ચો.મી.) | માર્કેટ રેટ કમિટી (MRC) મુજબ (₹1853.29 પ્રતિ ચો.મી.) |
| ટાવરના ચાર પાયાથી ઘેરાયેલો વિસ્તાર | 6.11 લાખ (625 ચો.મી.) | 27.02 લાખ (729 ચો.મી.) |
| RoW કોરિડોર | 12.74 લાખ (25% ROW) | 37.25 લાખ (30% ROW) |
વીજ ટાવર અને લાઇન વળતર ઉદાહરણ 2
| વિગતો | ગુજરાત સરકારના ઠરાવ તા. 01-03-2024 મુજબ | પ્રસ્તાવિત (1 વિઘા = 20 લાખ પ્રમાણે) |
|---|---|---|
| દર | DLVC દર મુજબ (ટાવર અને RoW કોરિડોર માટે – ₹382 પ્રતિ ચો.મી.) | માર્કેટ રેટ કમિટી (MRC) મુજબ (₹1,235.53 પ્રતિ ચો.મી.) |
| ટાવરના ચાર પાયાથી ઘેરાયેલો વિસ્તાર | 2.38 લાખ (625 ચો.મી.) | 18.00 લાખ (729 ચો.મી.) |
| RoW કોરિડોર | 6.39 લાખ (25% ROW) | 24.83 લાખ (30% ROW) |
વીજ ટાવર અને લાઇન પાયા માટે વધુ વળતર
અત્યાર સુધી ખેતરમાં નંખાતા વીજ ટાવરના બેઝ (પાયા) વિસ્તારના વાસ્તવિક માપ પ્રમાણે જ વળતર અપાતું હતું. હવે ખેડૂતોના લાભ માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વધુ વીજ ટાવર અને લાઇન વળતર ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે, 765 કે.વી. લાઇનમાં અગાઉ 625 ચોરસ મીટર મુજબ વળતર અપાતું હતું, જ્યારે હવે દરેક બાજુએ એક મીટર વધારીને કુલ 729 ચોરસ મીટર મુજબ વળતર ચૂકવવામાં આવશે.
વળતરની એકમુશ્ત અને અગાઉથી ચુકવણી
અગાઉ જમીનમાલિકોને વળતર ત્રણ તબક્કામાં આપવામાં આવતું હતું—ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% અને વાયર લગાડ્યા બાદ 20%. હવે તેના બદલે જમીનમાલિકોને એકસાથે અને અગાઉથી જ સંપૂર્ણ વીજ ટાવર અને લાઇન વળતર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
માર્કેટ રેટ કમિટી (MRC)ની રચના
ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા એમ.આર.સી. (Market Rate Committee)ની રચના કરવામાં આવશે. માર્કેટ રેટ કમિટીમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડૂતોના ઓથોરાઇઝ્ડ માર્કેટ વેલ્યુઅરને પણ સ્થાન આપવામાં આવશે જેથી ખેડૂતોને કોઈ અન્યાય ન થાય. ઉપરાંત સમિતિમાં કલેક્ટરશ્રી, જમીનમાલિકોના પ્રતિનિધિ અને ટ્રાન્સમીશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિનો પણ સમાવેશ થશે.
રાઇટ ઓફ વે (Right of Way) માટે વિસ્તાર મુજબ વળતર
વીજ લાઇનના રાઇટ ઓફ વે કોરિડોર માટે એમ.આર.સી. દ્વારા નક્કી કરાયેલા બજાર ભાવના આધારે વિસ્તાર મુજબ વીજ ટાવર અને લાઇન વળતર ચૂકવવામાં આવશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારમાં 45% અને મહાનગરપાલિકા વિસ્તારમાં 60% મુજબ વળતર આપવામાં આવશે.
ચાલુ પ્રોજેક્ટ ધરાવતા ખેડૂતોને પણ લાભ
રાજ્ય સરકારે આ નિર્ણયમાં ઉદારતા દાખવતા સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોએ અગાઉ જૂના દર પ્રમાણે વીજ ટાવર અને લાઇન વળતર મેળવી લીધું હોય પરંતુ વીજ લાઇનનું કામ હજી પ્રગતિમાં (ચાલુ) હોય, તેવા તમામ ખેડૂતોને પણ નવી નીતિનો લાભ મળવાપાત્ર રહેશે.

ગુજરાતી કૃષિ સમાચાર અને સરકારી કૃષિ સમાચાર ના લાંબા અનુભવ સાથે ખેતીવાડી ન્યુઝ માહિતી પુરી પાડે છે.