ખેડૂતોના હિતમાં નિર્ણય કરતા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ વિભાગ દ્વારા આગામી રવિ ઋતુમાં પ્રમાણિત બિયારણ, સીડ મિની કીટ તેમજ નિદર્શન ઘટકોનો લાભ રાજ્યના ખેડૂતો સુધી પહોંચાડવા માટે અરજીઓ આવકારવામાં આવી છે. આ તમામ ઘટકો હેઠળ લાભ મેળવવા માટે ખેડૂતો ‘આઈ-ખેડૂત પોર્ટલ’ પર અરજી કરી શકશે. આ પોર્ટલ આજ તા. 04 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર 2026 એટલે કે કુલ 12 દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
ગુજરાત બિયારણ સીડ મિની કીટ યોજના
વધુમાં, ગુજરાત ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટે ખેડૂતોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે અગાઉ અંતિમ તારીખ 9 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. પરંતુ, વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા ખેડૂત પ્રતિનિધિઓ તરફથી મળેલી સાનુકૂળ રજૂઆતોને સંવેદનશીલતાથી ધ્યાને રાખીને રાજ્ય સરકારે નોંધણી પ્રક્રિયામાં 15 દિવસનો વધારો કરવાનો પ્રજાહિતકારી નિર્ણય લીધો છે.
ટેકાના ભાવ ખરીદી નોંધણી મુદતમાં વધારો
આ નિર્ણયના પરિણામે હવે ગુજરાત રાજ્યના ખેડૂતો મગફળી, મગ, સોયાબીન અને અડદ જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે લંબાવેલી મુદત મુજબ આગામી તા. 24 ઓક્ટોબર, 2026 સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કૃષિ મંત્રી જીતુ વાઘાણીની જાહેરાત
કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના તમામ ખેડૂત ભાઈઓ-બહેનોને સમયસર ‘આઈ-ખેડૂત પોર્ટલ’ પરથી સરકારી યોજનાઓની અરજી કરવા અને ટેકાના ભાવે ખરીદી માટે લંબાવવામાં આવેલી નોંધણી મુદતનો મહત્તમ લાભ લેવા આગ્રહપૂર્વક અપીલ કરી છે.

ગુજરાતી કૃષિ સમાચાર અને સરકારી કૃષિ સમાચાર ના લાંબા અનુભવ સાથે ખેતીવાડી ન્યુઝ માહિતી પુરી પાડે છે.