Cumin price today: જીરાના ભાવમાં લાંબા સમય બાદ ફરી તેજીનો માહોલ જોવા મળ્યો છે. એનસીડીઇએક્સના વાયદામાં માત્ર 15 દિવસમાં ભાવ રૂ.21,925 થી વધીને રૂ.26,140ની સપાટીએ પહોંચતાં આશરે 18-19 ટકાનું વળતર મળ્યું છે. દિવાળી પૂર્વેની ખરીદી, લાંબા સમયથી નીચા ભાવ અને આગામી રવિ વાવેતર અંગેની અનિશ્ચિતતા વચ્ચે તેજીવાળા સક્રિય બન્યા છે. જોકે, ઊંચો પુરવઠો અને નબળી નિકાસ માગને કારણે આગળની તેજી ટકશે કે નહીં તેના પર બજારની નજર છે.
જીરાના ભાવમાં અચાનક તેજી, 15 દિવસમાં 18% ઉછાળો
લાંબા સમયથી ક્વિન્ટલદીઠ રૂ.20,000ની નીચેના સ્તરે સ્થિર રહેલા જીરાના ભાવમાં અચાનક તેજી જોવા મળી છે. એનસીડીઇએક્સ (NCDEX)ના વાયદામાં 28 સપ્ટેમ્બરે જીરાના ભાવ રૂ.21,925ની સપાટીએ હતા, જે 12 ઓક્ટોબરે વધીને રૂ.26,140 થયા હતા. આમ, માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જીરાના ભાવમાં આશરે 19 ટકાનો ઉછાળો નોંધાયો છે. ભાવમાં થયેલા આ ઝડપી વધારાને પગલે બજારમાં તેજીનું માનસ મજબૂત બન્યું છે.
દિવાળી પૂર્વેની ખરીદી સાથે તેજીવાળાઓ સક્રિય
ઊંઝાના એક જીરાના હોલસેલ વેપારીના જણાવ્યા મુજબ, દર વર્ષે દિવાળી પહેલાં તહેવારોની ખરીદી નીકળતી હોવાથી જીરાના બજારમાં સામાન્ય રીતે તેજી જોવા મળે છે. જોકે, આ વખતે લાંબા સમયથી ભાવ નીચા મથાળે રહ્યા હોવાથી તેજીવાળા સક્રિય બન્યા છે અને બજારમાં ભાવને ઊંચી દિશામાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વરસાદ અને જમીનમાં ભેજ પર બજારની નજર
નબળા ચોમાસાને કારણે હાલ જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું છે. જો 20 ઓક્ટોબર 2026 સુધીમાં વરસાદનો વધુ એક રાઉન્ડ થાય તો રવિ વાવેતર માટે તે લાભદાયી બની શકે છે. બીજી તરફ, જો વરસાદ નહીં પડે તો જમીનમાં ભેજની અછતને કારણે જીરાના પાકના ઉતારા ઘટવાની આશંકા ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં જીરાના બજારમાં ફરી તેજીના મંડાણ થવાની શક્યતા છે.
ગુજરાતમાં 10 નવેમ્બરથી જીરાનું વાવેતર શરૂ થવાની શક્યતા
ગુજરાતમાં દિવાળી બાદ એટલે કે 10 નવેમ્બર 2026થી જીરાના વાવેતરની શરૂઆત થશે. જ્યારે રાજસ્થાનમાં જીરાનું વાવેતર તેના આશરે એક મહિના બાદ ડિસેમ્બર મહિનામાં શરૂ થવાની ધારણા છે. વાવેતર સમયે હવામાનની સ્થિતિ, જમીનમાં રહેલો ભેજ અને પાકના અંદાજો આગામી સમયમાં જીરાના ભાવની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
નિકાસમાં ઘટાડો, ઘરેલું બજાર સામે પડકાર
જીરાની નિકાસના આંકડા જોતા ચાલુ વર્ષે નિકાસ માગ નબળી રહી છે. વર્ષ 2026ના મે, જૂન અને જુલાઈ મહિનામાં ભારતમાંથી અનુક્રમે 18,390 ટન, 1,22,259 ટન અને 10,903 ટન જીરાની નિકાસ થઈ હતી. તેની સરખામણીએ વર્ષ 2025ના આ જ મહિનાઓમાં અનુક્રમે 24,454 ટન, 17,714 ટન અને 15,416 ટનની નિકાસ નોંધાઈ હતી.
| મહિનો | 2025 નિકાસ | 2026 નિકાસ |
|---|---|---|
| મે | 24,454 ટન | 18,390 ટન |
| જૂન | 17,714 ટન | 1,22,259 ટન |
| જુલાઈ | 15,416 ટન | 10,903 ટન |
આમ, ચાલુ વર્ષે નિકાસમાં ખાસ કરીને જુલાઈ સુધીનો ટ્રેન્ડ બજાર માટે ચિંતાજનક રહ્યો છે. સિઝનની શરૂઆતમાં સમગ્ર વર્ષ દરમિયાન આશરે બે લાખ ટનની નિકાસ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. જોકે, જુલાઈ 2026ના અંત સુધીમાં કુલ નિકાસ માત્ર 98,941 ટન સુધી પહોંચી શકી હતી.
પાંચ વર્ષમાં સૌથી મોટો 6.08 લાખ ટનનો પુરવઠો
જીરાના બજારમાં બીજી તરફ પુરવઠો ઊંચો રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ આશરે 6.08 લાખ ટનનો પુરવઠો નોંધાયો છે. ઊંચો પુરવઠો અને તેની સામે નબળી નિકાસ માગ બજાર માટે નકારાત્મક પરિબળ બની શકે છે. જોકે, હવે ભાવમાં થયેલા ઉછાળાને કારણે આગામી દિવસોમાં સ્ટોકિસ્ટો અને ખેડૂતોની વેચવાલી બજારની દિશા પર અસર કરી શકે છે.
ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની દૈનિક ભાવ અને આવક
ઊંઝા માર્કેટ યાર્ડમાં સપ્તાહના પ્રારંભે જીરાની સરેરાશ દૈનિક આવક 14,000થી 15,000 બોરી રહી હતી. ભાવમાં વધારો થતાં સ્ટોકિસ્ટોને ખેડૂતો વધુ માલ વેચશે તેવી આશા હતી. જોકે, ઊંઝાના ખેડૂતો વ્યવસાયિક માનસિકતા ધરાવતા હોવાથી માત્ર ભાવ જાણવા માટે પણ બજારમાં આવે છે અને ભાવની સ્થિતિ જાણ્યા બાદ પરત જતા હોવાના કારણે હાલમાં બજારમાં નોંધપાત્ર વેપાર જોવા મળતો નથી.
હવે વાવેતર સીઝન અને હવામાન નક્કી કરશે જીરાની દિશા
જીરાના બજારમાં હાલ તેજીનું માનસ જોવા મળી રહ્યું છે, પરંતુ આગામી દિશા માટે વાવેતર સીઝન મહત્વપૂર્ણ રહેશે. ગુજરાતમાં નવેમ્બર અને રાજસ્થાનમાં ડિસેમ્બરથી શરૂ થનારા વાવેતર દરમિયાન વરસાદ, જમીનની ભેજ, વાવેતર વિસ્તાર અને પાકના પ્રારંભિક અંદાજો સામે આવ્યા બાદ બજારની વાસ્તવિક સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. તેથી હાલની તેજી ટકાઉ રહેશે કે નહીં તે આગામી સપ્તાહોમાં હવામાન અને વાવેતરના આંકડા પર નિર્ભર રહેશે.

ગુજરાતી માર્કેટયાર્ડ બજાર ભાવના ડેટાને એનાલિસ્ટ કરીને ખેડૂતોને ખરીદ વેચાણ માટે કોમોડિટી સમાચાર વિષે માહિતી પુરી પાડે છે.