ગુજરાત સરકારની જાહેરાત બાદ રાજ્યમાં આજથી (9 નવેંબર 2025) ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પાક નુકશાન સહાય પેટે 10 હજાર કરોડના કૃષિ રાહત પેકેજ બાદ ગુજરાત સરકારે આજથી(9 નવેંબર 2025) રૂ.15 હાજર કરોડની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ કરી છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જણસીની ખરીદીનો પ્રારંભ થયો છે અને ખેડૂતો પોતાની જણસી લઇને માર્કેટિંગ યાર્ડ પર પહોંચી રહ્યા છે. મહત્વનું છે કે હાલ 90 કેન્દ્રો પર ખરીદી શરૂ થઇ છે, જ્યારે આવતીકાલથી(10 નવેંબર 2025) કુલ 300 કેન્દ્રો પરથી મગફળી, સોયાબીન, અડદ, મગ સહિતની જણસીની ખરીદીનો પ્રારંભ કરાશે. ઉલ્લેખનીય છે કે ખરીદ પ્રક્રિયામાં કોઇ વિવાદ ન થાય તે માટે કૃષિ ભવનથી તમામ કેન્દ્રોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
કૃષિ મંત્રીએ દહેગામમાં ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગરના દહેગામમાં ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો, શુભારંભ બાદ કૃષિ મંત્રીએ ટેકાના ભાવે વેચાણ માટે આવેલા ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો. બજાર કરતા વધુ ભાવે જણસીની ખરીદી કરવા બદલ ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
સર્વ વિદિત છે કે, મગફળીના આશરે રૂ. 5000 પ્રતિ ક્વિન્ટલના બજાર ભાવ સામે ભારત સરકાર દ્વારા મગફળી માટે રૂ. 7263 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. જેના પરિણામે પોતાની જણસીના બજાર ભાવ કરતા આશરે રૂ.2263 પ્રતિ ક્વિન્ટલ વધુ ભાવ મળતા ખેડૂતો પણ ઉત્સાહભેર ટેકાના ભાવે વેચાણ કરી રહ્યા છે.

ગોંડલ તાલુકામાં 4 ખરીદ કેન્દ્ર પરથી ટેકાના ભાવે મગફળી શરૂ કરવા નિયત કરાયા છે. જેમાં ગોંડલ તાલુકામાં બીલીયાળા જૂથ સેવા સહકારી મંડળી લી. નેશનલ હાઈ-વે, વૈદિક બેક બોન એન્ટરપ્રાઈઝ ખાતે, ગોંડલ તાલુકા સહ ખ.વે. સંઘ લી. પટેલ બોડશ્નગની સામે, જામવાડી જૂથ સેવા સહકારી મંડળી લી. જામવાડી ગામ પાસે નેશનલ હાઇ-વે ખાતે, કોલીથડ જૂથ સેવા સહકારી મંડળી લી. અનીડા કોલીથડ ખાતે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે જેમાં ત્રણ ખરીદ કેન્દ્ર પર આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

જુનાગઢ જીલ્લામાં ટેકાના ભાવે 27 કેન્દ્રો પર મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો
જુનાગઢ જીલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ છે. જ્યાં 27 કેન્દ્રો પર મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો છે. SMS કરી ખેડૂતોને ખરીદ કેન્દ્ર પર બોલાવવામાં આવ્યા હતા મગફળીની ગુણવતા પર ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરાયુ છે. મણ દીઠ ₹1452ના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે. સરકાર દ્વારા સારા ભાવ મળતા ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો છે. સરકાર દ્વારા ટેકાના ભાવે પ્રતિ ખેડૂત 125 મણ મગફળની ખરીદી કરાઈ રહી છે.

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ બાદ પ્રથમવાર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ છે. રાજુલા, સાવરકુંડલા, બગસરા, બાબરા સહિત માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ કરાઈ છે. રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત નિયત્રીત બજાર સંઘ ચેરમેન જીજ્ઞેશ પટેલના હસ્તે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કર્યો હતો. 5 થી 10 ખેડૂતોને મેસેજ નાખી ખરીદી માટે બોલાવવામાં આવી રહ્યા છે. ખેડૂતોના નુકસાન બાદ પણ મગફળીની આવક આવી થઈ રહી છે.

PSS યોજના હેઠળ સાવરકુંડલા યાર્ડ પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ
સાવરકુંડલામા પી.એસ.એસ. યોજના હેઠળ ટેકાના ભાવથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી શરૂ કરવામાં આવે છે. સાવરકુંડલા એ.પી.એમ.સી. કેન્દ્ર ખાતે ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાળા, સાવરકુંડલા એ.પી.એમ.સી અને તાલુકા સંઘના ચેરમેન દિપકભાઇ માલાણી સહીત વિવિધ પદાધિકારીઓ, અગ્રણીઓ અને ખેડુતોની ઉપસ્થિતીમાં શ્રીફળ વધેરી, મગફળી વેચવા આવેલ ખેડુતોને પુષ્પગુચ્છ આપી મો મીઠું કરાવીને ટેકાના ભાવથી મગફળી ખરીદી કેન્દ્રનો શુભપ્રારંભ કરવામાં આવ્યો.

પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ
પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ચાલુ વર્ષે પોરબંદર જિલ્લામાં કુલ 35,106 ખેડૂતોએ મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે. આમાં પોરબંદર તાલુકાના 15,645, રાણાવાવના 7,665 અને કુતિયાણાના 11,846 ખેડૂતોનો સમાવેશ થાય છે. ખરીદીનો શુભારંભ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયાના હસ્તે શ્રીફળ વધેરીને કરવામાં આવ્યો હતો.

દેવભુમી દ્વારકા જીલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ
દેવભુમી દ્વારકા જીલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો. દ્વારકા જિલ્લામાં 71,424 ખેડુતોનું રજીસ્ટ્રેશન 11 કેન્દ્રો મંજુર થયા છે હાલમાં 5 કેન્દ્રો કાર્યરત છે.

જામજોધપુરમાં ટેકાના ભાવે જણસીનો ખરીદીનો પ્રારંભ
જામજોધપુર માર્કેટીંગ યાર્ડ મુકાત મુકામે આજથી સરકાર દ્વારા મગફળી, સોયાબીન, મગ તેમજ અડદની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ખેડૂતના હસ્તે કરવામાં આવેલ જેમાં પરિશ્રમ ખેત ઉત્પાદન ખરીદ વેંચાણ સંઘના કિશોરસિંહ જાડેજા તાલુકા ભાજપના વિવિધ અગ્રણીઓ તેમજ ખેડૂતો હાજર રહેલા હતા.

પ્રાસલીમાં ટેકાના ભાવે મગફળી – સોયાબીન ખરીદી શરૂ
પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત સરકારના ટેકાના ભાવથી મગફળી સોયાબીન ખરીદ શુભારંભ.ખેડૂતોને પોસાણસમ ભાવ મળી રહે તે હેતુ ટેકાના ભાવ થી રાજય સરકારશ્રી નોડલ એજન્સી ગુજકો માર્શલ મારફત ખરીદી અંગેના સેંટર પર ગુજરાત રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ અને યાર્ડના ડાયરેક્ટરો અને ખેડૂતોની ઉપસ્થિતિમાં શ્રીફળ વઘેરીને શુભારંભ કરવામાં આવ્યો હતો.

આટકોટનાં ખોડલ જીનમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી
ગુંદાળા રોડ પર આવેલા ખોડલ જીનમાં સરકાર દ્વારા ટેકાનાં ભાવે મગફળીની ખરીદીનો આરંભ થયો હતો. શરૂઆતમા 21 ખેડુતોને બોલાવ્યા હતા. જસદણ અલગ અલગ કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદીની તૈયારીઓ ખેડૂત કહી રહ્યા છે કે જો સરકાર દ્વારા પરલેલી માંડવી થોડી ઘણી લેવામાં આવે એવી આશા છે. જસદણ તાલુકાના ખેડૂતોનું રજીસ્ટ્રેશન 22,500 થયેલ આટકોટ સહિત વિવિધ કેન્દ્ર પર ટેકા નાં ભાવે મગફળી ની ખરીદી શરૂ કરવામાં આવી હતી.

ગુજરાતી કૃષિ સમાચાર અને સરકારી કૃષિ સમાચાર ના લાંબા અનુભવ સાથે ખેતીવાડી ન્યુઝ માહિતી પુરી પાડે છે.