કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂત માટે આગામી PM કિસાન 24મો હપ્તો પૂર્વે દર વર્ષે બાયોમેટ્રિક PM કિસાન e-KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત યોગ્ય લાભાર્થીઓને સમયસર સહાય મળી રહે તે હેતુથી, હવેથી લાભાર્થીઓએ દરેક નાણાકીય વર્ષના પ્રથમ હપ્તાના રીલીઝ પહેલાં નિયત e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, તેમ કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.
કૃષિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર તા. 31 માર્ચ, 2026 પછી જે લાભાર્થીઓએ e-KYC કરાવેલ નથી, પરંતુ પોર્ટલ પરના સ્ટેટસમાં “eKYC : Yes” દર્શાવે છે, તેવા તમામ લાભાર્થીઓએ પણ યોજના હેઠળ અવિરત સહાય મેળવવા માટે નવેસરથી PM કિસાન e-KYC કરાવી લેવાનું રહેશે.
PM કિસાન e-KYC કેવી રીતે કરવું?
લાભાર્થી ખેડૂતોની સુવિધા માટે PM કિસાન e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવા ચાર સરળ વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
- જેમાં પ્રથમ વિકલ્પ તરીકે, ખેડૂતો જાતે જ PM-Kisan મોબાઇલ એપ્લિકેશનમાં “Login” માં જઈ “Beneficiary” વિકલ્પ પસંદ કરી શકે છે, જ્યાં આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા લોગ-ઇન થઈ પોતાનું તેમજ “e-KYC for other beneficiaries” વિકલ્પ દ્વારા અન્ય 100 લાભાર્થીઓનું e-KYC કરી શકે છે.
- બીજા વિકલ્પમાં, ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને ફેસ ઓથેન્ટિકેશન પદ્ધતિથી આ કામગીરી કરાવી શકાય છે.
- આ ઉપરાંત, ત્રીજા વિકલ્પ તરીકે ગામના ઈ-ગ્રામ કેન્દ્ર અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે જઈને કામગીરી કરાવી શકાય છે.
- ચોથા વિકલ્પ હેઠળ તાલુકા અથવા જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરીને પણ બાયોમેટ્રિક PM કિસાન e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.
જે ખેડૂત લાભાર્થીઓ અન્ય ગામ કે શહેરમાં સ્થળાંતરિત થયા હોય, તેઓ હાલ જે સ્થળે વસવાટ કરતા હોય ત્યાંથી ઉપરોક્ત ચારમાંથી કોઈપણ અનુકૂળ પદ્ધતિ અપનાવીને પોતાનું PM કિસાન e-KYC સત્વરે કરાવી લે તેવી સત્તાવાર અપીલ કરવામાં આવે છે, જેથી આગામી PM કિસાન 24મો હપ્તો મેળવવામાં કોઈ પણ પ્રકારનો અવરોધ ન સર્જાય.

ગુજરાતી કૃષિ સમાચાર અને સરકારી કૃષિ સમાચાર ના લાંબા અનુભવ સાથે ખેતીવાડી ન્યુઝ માહિતી પુરી પાડે છે.