ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ ઠંડીની તીવ્રતામાં મિશ્ર ચિત્ર જોવા મળી રહ્યું છે. રાજ્યનાં મોટાભાગનાં હવામાન કેન્દ્રો ખાતે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી નીચેથી 3 ડિગ્રી સુધી ઊંચું નોંધાઈ રહ્યું છે. આગામી 23 થી 30 નવેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાનમાં એકંદરે આશરે 2 ડિગ્રીની વધઘટ થવાની શક્યતા છે. ખાસ કરીને 26 અને 27 નવેમ્બરના રોજ લધુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થતાં ઠંડીનો અહેસાસ વધી શકે છે.
ગુજરાત હવામાન સ્થિતિ
ગુજરાત વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી અનુસાર, ગઈકાલે રાજ્યનાં મોટાભાગનાં કેન્દ્રો ખાતે મહત્તમ તાપમાન 32 થી 32.5 ડિગ્રીની આસપાસ નોર્મલ મુજબ નોંધાયું હતું. જ્યારે આજે 23 નવેમ્બરે લઘુત્તમ તાપમાનમાં કેન્દ્રવાર વિવિધતા જોવા મળી હતી. અમદાવાદમાં 18.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.9 ડિગ્રી વધુ છે. અમરેલીમાં 15.4 ડિગ્રી, ભુજમાં 15.7 ડિગ્રી અને રાજકોટમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 17.8 ડિગ્રી અને ડીસામાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં 23 નવેમ્બર 2026 લઘુત્તમ તાપમાન
અમદાવાદ: 18.9°C (નોર્મલથી 2.9°C ઉપર)
અમરેલી: 15.4°C (નોર્મલથી 0.4°C નીચે)
વડોદરા: 17.8°C (નોર્મલથી 1.0°C ઉપર)
ભુજ: 15.7°C (નોર્મલથી 0.4°C નીચે)
રાજકોટ: 16.0°C (નોર્મલથી 1.2°C નીચે)
ડીસા: 16.8°C (નોર્મલથી 2.2°C ઉપર)
અશોક પટેલની આગાહી 23 થી 30 નવેમ્બર 2026
અશોક પટેલની આગાહી અનુસાર આગામી સપ્તાહ દરમિયાન મહત્તમ તાપમાન મોટાભાગના દિવસોમાં સામાન્યની આસપાસ અથવા સામાન્ય કરતાં થોડું ઊંચું રહેવાની શક્યતા છે. બીજી તરફ લઘુત્તમ તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. રાજ્યનાં મોટાભાગનાં કેન્દ્રો ખાતે લઘુત્તમ તાપમાન 15 થી 18 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. જોકે કેટલાક દિવસોમાં કેટલાંક કેન્દ્રો ખાતે પારો 14 થી 17 ડિગ્રી સુધી પણ રહી શકે છે.
કેવું રહેશે ગુજરાતમાં હવામાન?
વેધર એનાલીસ્ટ અશોક પટેલની આગાહી મુજબ, 26 અને 27 નવેમ્બરના રોજ લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાનમાં ફરી વધઘટ જોવા મળી શકે છે. આમ, આગામી સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું પ્રમાણ એકંદરે સામાન્ય વધઘટ સાથે જળવાઈ રહેવાની શક્યતા છે.

ગુજરાત વેધરના નવીનતમ બ્લોગ લેખો. હવામાન નિષ્ણાંત અશોકભાઈ એમ. પટેલ દ્વારા પ્રકાશિત.