ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં શિયાળાની શરૂઆત વચ્ચે હજુ કડકડતી ઠંડીનો અનુભવ કરવા માટે લોકોએ રાહ જોવી પડે તેવી હવામાન સ્થિતિ જોવા મળી રહી છે. અશોક પટેલની આગાહી તા. 13 થી 20 નવેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન નોર્મલ નજીક અથવા નોર્મલ કરતાં ઉપર રહેવાની શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન પણ આગાહીના મોટાભાગના દિવસોમાં સામાન્ય કરતાં ઊંચું રહેવાની સંભાવના છે.
ગુજરાતમાં હાલની તાપમાન સ્થિતિ
ગુજરાત વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી અનુસાર, તા. 12 નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન મોટાભાગે નોર્મલ કરતાં 1.5 થી 3.5 ડિગ્રી વધુ નોંધાયું હતું. બીજી તરફ લઘુત્તમ તાપમાનમાં જુદાં જુદાં કેન્દ્રોપર નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન નોર્મલ કરતાં 2 ડિગ્રી નીચું તો કેટલાક સ્થળોએ 2.5 ડિગ્રી વધુ નોંધાયું હતું.
13 નવેમ્બર 2026ના રોજ નોંધાયેલ તાપમાન
- અમદાવાદ: 18.3°C (નોર્મલ કરતાં 0.6°C વધુ)
- અમરેલી: 18.2°C (નોર્મલ કરતાં 0.6°C વધુ)
- વડોદરા: 16.5°C (નોર્મલ કરતાં 1.9°C ઓછું)
- ભુજ: 21.0°C (નોર્મલ કરતાં 2.8°C વધુ)
- રાજકોટ: 18.2°C (નોર્મલ આસપાસ)
- ડીસા: 19.0°C (નોર્મલ કરતાં 2.3°C વધુ)
તા. 13 નવેમ્બરના રોજ નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 18.3 ડિગ્રી, અમરેલીમાં 18.2 ડિગ્રી, વડોદરામાં 16.5 ડિગ્રી, ભુજમાં 21 ડિગ્રી, રાજકોટમાં 18.2 ડિગ્રી અને ડીસામાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેમાં ભુજમાં લઘુત્તમ તાપમાન નોર્મલ કરતાં 2.8 ડિગ્રી વધુ, જ્યારે વડોદરામાં નોર્મલ કરતાં 1.9 ડિગ્રી ઓછું રહ્યું હતું.

અશોક પટેલની આગાહી : 13 થી 20 નવેમ્બર
આગામી દિવસોના હવામાન અંગે અશોક પટેલની આગાહી મુજબ, હાલમાં મોટાભાગનાં કેન્દ્રો માટે લઘુત્તમ તાપમાનનું નોર્મલ આશરે 18 ડિગ્રી છે, જ્યારે મહત્તમ તાપમાનનું નોર્મલ આશરે 33.5 ડિગ્રી છે. આગામી 14 અને 15 નવેમ્બરના રોજ લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે. ત્યારબાદ 17 અને 18 નવેમ્બરના રોજ લધુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. જ્યારે 20 નવેમ્બરની આસપાસ ફરી એકવાર લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે.
ગુજરાત આગોતરું અનુમાન
આમ, આગામી એક સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ઠંડીનું પ્રમાણ વ્યાપક રીતે વધવાને બદલે તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. ખાસ કરીને રાત્રિના તાપમાનમાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર રહેશે અને દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ યથાવત્ રહેવાની શક્યતા છે.

ગુજરાત વેધરના નવીનતમ બ્લોગ લેખો. હવામાન નિષ્ણાંત અશોકભાઈ એમ. પટેલ દ્વારા પ્રકાશિત.